– ભાણદેવજી •
એ દિવસોમાં હું શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં રહેતો હતો. નિત્યના ક્રમ પ્રમાણે સાંજના ભોજન પછી સમુદ્રકિનારે ફરવા ગયો હતો. એકલો જ કિનારે કિનારે ટહેલતો હતો. રાત્રિના પ્રારંભનો સમય હતો. અંધારું થઈ ગયું હતું. આકાશમાં તારાઓ ટમટમી રહ્યા હતા. મોજાંઓનો ગંભીર નાદ સંભળાતો હતો. આહ્લાદક વાતાવરણ હતું. અચાનક મારી નજર એક બાળક પર પડી. તેણે લીલી ચડ્ડી પહેરી હતી. હું સમજી ગયો : આશ્રમની શાળાનો વિદ્યાર્થી છે. આશ્રમની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લીલી ચડ્ડી પહેરે છે. તેમનું GREEN GROUP કહેવાય છે. બાળકની ઉંમર દશેક વર્ષની હશે. બાળક સમુદ્રનાં મોજાં સાથે રમવામાં મશગૂલ છે. થોડી વાર સમુદ્રના પાણીની અંદર જાય છે. મોજું આવતાં દોડીને બહાર નીકળે છે. ફરી અંદર જાય છે. બાળકની આ જોખમી રમત જોઈને મને ધ્રાસ્કો પડ્યો. અરે ! આ બાળક શું કરી રહ્યો છે ! પોંડિચેરીનો દરિયો જોખમી ગણાય છે. અંધારું છે. બાળક નાનો છે. મોજાંની સાથેની આ રમત જોખમી છે. મારો શિક્ષકનો જીવ ! હું બૂમ પાડી ઊઠ્યો, “અરે બેટા ! આ તું શું કરી રહ્યો છે ? મોજું ખેંચી જશે તો ? બહાર નીકળી જા. એકલો દરિયાકિનારે ફરી કદી આવીશ નહીં.”
આ બાળક સાથે મારે કશો પ્રત્યક્ષ પરિચય નથી પણ મને બધા વિદ્યાર્થીઓ મારા વિદ્યાર્થીઓ લાગે છે ! એક પ્રેમાળ માતાને બધાં બાળકો પોતાના પુત્રો લાગે છે !
બાળક ખસિયાણો પડી ગયો. તુરત પાણીમાંથી બહાર નીકળી આવ્યો. તેના બન્ને પગ લગભગ આખા જ ભીના હતા. તેની લીલી ચટ્ટીનો થોડો ભાગ પણ ભીનો થયો હતો. બાળકની નજીક જઈને હું ફરીથી બોલ્યો, “બેટા ! આ રીતે મોજાં સાથે આવી રમત ન કરાય. મોજું અંદર ખેંચી જાય તો શું થાય ? રમવા માટે અહીં બીજી રમતો ઓછી છે કે તું આવી રમત રમે છે ? ફરીથી ક્યારેય અહીં દરિયાકિનારે એકલો ન આવતો.” બાળક કંઈ બોલ્યો નહીં. ચૂપચાપ છાત્રાલય તરફ ચાલ્યો ગયો.
મને લાગ્યું કે પ્રકરણ અહીં પૂરું થયું. પણ પ્રકરણ હવે શરૂ થાય છે. બાળકના ગયા પછી તુરત અંધારામાંથી એક વ્યક્તિ મારી પાસે આવી. તે આશ્રમની શાળાના શિક્ષક અને ગૃહપતિ હતા. શાંત અને સ્વસ્થભાવે મારી પાસે ઊભા રહ્યા. અંધારામાં પણ અમારી આંખો મળી. થોડા વધુ નજીક આવીને બોલ્યા, “આપે જે કર્યું તે ઠીક કર્યું છે અને સદૂભાવથી કર્યું છે, પણ આપ એવી છાપ લઈને ન જશો કે એ બાળકની સંભાળ લેનાર અહીં કોઈ નથી. હું એ બાળકનો શિક્ષક છું અને બાળકની રમત છુપાઈને જોઈ રહ્યો હતો. માત્ર સલામતીની દૃષ્ટિએ જોઈએ તો તમારું વલણ બરાબર છે, પરંતુ જીવનમાં સલામતી જ સર્વસ્વ નથી. સલામતી આવશ્યક છે પણ સલામતી સિવાય પણ જીવનમાં બીજું ઘણું છે અને તે પણ મૂલ્યવાન છે. ઘણું અધિક મૂલ્યવાન છે. જો આપણે માત્ર સલામતીનો જ વિચાર કરતા રહીએ તો જીવનનાં ઘણાં મૂલ્યવાન તત્ત્વોથી વંચિત રહી જઈશું.
સલામતી જ જોઈએ તો પીંજરાનો પોપટ મુક્ત પંખી કરતાં વધુ સલામત છે, પણ તેની પાસે ઉડ્ડયનની સ્વતંત્રતા નથી અને લાંબે ગાળે તે ઉડ્ડયનની ક્ષમતા પણ ગુમાવી બેસશે ! અને જ્યાં ઉડ્ડયનની સ્વતંત્રતા નથી ત્યાં વિકાસ ક્યાં છે ? અને વિકાસહીન જીવનમાં જીવન જ ક્યાં છે ? વિકાસ માટે આપણે જોખમ ઉઠાવવું પડશે. એ બાળક જે અનુભવી રહ્યો હતો તેનું પણ મૂલ્ય છે. જુઓ આ અંધકાર ! આ આકાશ ! આ તારાઓ ! આ સમુદ્ર ! આ મોજાંઓ ! આ રેતી ! અને તેમની સાથે બાળકની મુક્ત અને નિર્ભય રમત ! એક બાળક માટે આ એક અનેરો અનુભવ છે. બાળક આવા રોમાંચક અનુભવોમાંથી તૃપ્ત થઈને બહાર આવે તે એના જીવનવિકાસનો ભાગ છે. બાળકની સંવેદનશીલતાના વિકાસની પ્રક્રિયાનો એ ભાગ છે. બાળકની જ્ઞાનેન્દ્રિયો, તેના ચિત્તની સંવેદનક્ષમતા, તેનો સૌંદર્યબોધ – આ બધાનો સમુચિત અને સમતોલ વિકાસ થવો જોઈએ. આમ, બૌદ્ધિક વિકાસ પર્યાપ્ત નથી, હૃદયનો વિકાસ પણ થવો જોઈએ.
બાળક છાત્રાલયમાંથી સમુદ્ર તરફ દોડતો આવ્યો એટલે તુરત જ હું તેની પાછળ-પાછળ દોડતો આવ્યો છું. મેં તેને આ જોખમી પણ રોમાંચક રમતમાંથી રોક્યો નહીં, કારણ કે મારે તેને આ અનુભવમાંથી પસાર થવા દેવો હતો. હું પોતે સારો તરવૈયો છું અને આ જોખમ વિશે જાગૃત છું. મુશ્કેલી ઊભી થાત તો જાનના જોખમે પણ હું તેને બચાવી લેત. મારી હાજરીને લીધે તે સલામત હતો. છાત્રાલયમાં ગયા પછી, હું તેને આ રીતે એકલો ન રમવા સમજાવીશ પણ ખરો, પણ આ વખતે તો મારે તેને આ મૂલ્યવાન અનુભવમાંથી પસાર થવા દેવો હતો અને એટલે જ મેં તેને રોક્યો નહીં. છતાં આપના સદૂભાવ માટે આભારી છું.”
મારા ચિત્તમાં જાણે પ્રકાશ ફેલાઈ ગયો. મન જાણે ઘડીભર તો સ્તબ્ધ બની ગયું ! મારું મસ્તક મનોમન એક શિક્ષકના, સાચા શિક્ષકનાં ચરણોમાં ઢળી પડ્યું. મનમાં ને મનમાં “ધન્ય ! ધન્ય !ના ઉદ્દગારો નીકળી પડ્યા.
તે શિક્ષક શાંત અને તટસ્થભાવે છાત્રાલય તરફ ગયા અને હું એ મુગ્ધાવસ્થામાં જ મારા નિવાસસ્થાને પાછો ફર્યો.
એક બીજો પ્રસંગ છે. વિદ્યાર્થીઓ અને મિત્રો સાથે વારંવાર હિમાલય જવાનું બને. એક વાર એક મિત્રને કહ્યું, “આ વખતે તમે હિમાલય આવો.”
“આવવાની ઇચ્છા તો ખૂબ છે પણ બા રજા ન આપે.”
મિત્ર શિક્ષક છે. ઉંમર ૨૮ વર્ષ છે. શરીર સારું છે. આર્થિક મુશ્કેલી નથી. પણ હિમાલય જવાની બા ‘ના’ કહે છે. શા માટે ? એક જ દીકરો છે. હિમાલય જવાનું જોખમ કેમ લેવાય ? એકલા જવાનું નથી. અમે દશબાર જણ સાથે છીએ પણ બાનો જીવ ચાલતો નથી.
તો શું સલામતીના કોચલામાં પુરાઈને જ જીવવું ? સલામતીનો વિચાર જ ન કરવો એમ નહીં. એક વર્ષનો બાળક છરીથી રમતો હોય, તો તેના હાથમાંથી છરી ન લઈ લેવી એમ નહીં, પણ સલામતી જીવનના વિકાસને જ રૂંધી નાખે તે સલામતી આપણને ક્યાં લઈ જશે ? આપણે સૌ બાળક માટે, વિદ્યાર્થી માટે કે આપણા પોતાના માટે સતત સલામતી જ શોધતા રહીએ તો આપણે પીંજરાના પોપટ જેવા પંગુ ન બની જઈએ ? ડૂબી જવાની બીકે તરતાં જ ન શીખવું, આ કેવી મનોદશા ? એવાં ડઝનબંધ માતા-પિતાને હું ઓળખું છું, જેઓ સંતાન ડૂબી જશે એવી બીકથી એમને તરતાં શીખવા જ જવા દેતા નથી. તરતાં શીખવું એ તો એક દૃષ્ટાંતરૂપ ઘટના તરીકે છે, પરંતુ માતાપિતા અને શિક્ષકોનો આ અભિગમ બાળકના સમગ્ર જીવનવિકાસ પર અસર કરે જ છે. માતાપિતા પણ બાળકોના શિક્ષકો જ છે, આદ્યશિક્ષકો છે.
શું વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરી દેવા એટલામાં જ શિક્ષકની જવાબદારી પૂરી થઈ જાય છે ? અને સંતાનોને સારાં કપડાં સિવડાવી દેવાં, તેમના માટે ટ્યુશનની વ્યવસ્થા ગોઠવી દેવી અને ઘરમાં રંગીન ટી.વી. વસાવી દેવું, એટલાથી જ માતાપિતાની જવાબદારી પૂરી થઈ જાય છે ?
જે સલામતી આપણા અને આપણાં સંતાનો-વિદ્યાર્થીઓના જીવનવિકાસને રૂંધે, તે સલામતીના કોચલાને ભેદવાની જરૂર નથી ?
વનમાં વિહરતા વનરાજ કરતાં પ્રાણીઘરના પીંજરામાં બેઠેલું સસલું વધારે સલામત છે, પણ તે સલામતીનું મૂલ્ય બે કોડીથી વધારે નથી.
સ્પાર્ટામાં નવજાત શિશુને પહાડ પરથી ગબડાવવામાં આવતું. ગબડતાં-ગબડતાં નીચે આવ્યા પછી પણ જો તે જીવતું હોય તો જ જીવવાને પાત્ર ગણાતું અને મૃત્યુ પામે તો તેવા માયકાંગલા બાળક વિના અમે ચલાવી લેશું, એમ માની કોઈ તેના મૃત્યુનો શોક પણ ન કરતું !
(‘શિક્ષકનું દર્શન’ પુસ્તકમાંથી સાભાર)
વધુ વાંચો : The role of Teacher in 21st century
Facebook Comments