– અનિલ રાવલ “નિર્મલ”
વર્ષ ૧૯૧૬.
બનારસમાં હિંદુ વિશ્વવિદ્યાલયની સેન્ટ્રલ કૉલેજનો ઉદ્ઘાટન સમારંભ ઊજવાયો હતો. કાર્યક્રમમાં ભારતભરની પ્રખ્યાત વ્યક્તિઓ ઉપસ્થિત હતી. એ વખતના વાઇસરોય પણ આવ્યા હતા. રાજા-મહારાજાઓ અને રાણીઓ કિંમતી વસ્ત્રો અને ઘરેણાંથી સજ્જ થઈ આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગાંધીજી પણ ઉપસ્થિત હતા. એમણે પ્રવચનમાં ઠાઠમાઠ અને વૈભવનો વિરોધ કર્યો. એમણે વિદ્યાર્થીઓને પણ સંબોધન કર્યું. પછી એમણે એમના પ્રવચનમાં કહ્યું કે, “આજે આ મહાન વિદ્યાલયની છાયામાં, આ પુનિત નગરમાં જેને હું પરદેશી માનું છું એવી ભાષામાં મારે મારા દેશવાસીઓને સંબોધવા પડે છે એ આપણા માટે અપમાનરૂપ છે, અને શરમની વાત છે.” એમણે આગળ કહ્યું, “વિચાર કરો, આ ગયાં પચાસ વરસ આપણને પોતપોતાની માતૃભાષામાં શિક્ષણ મળ્યું હોત તો ! આજે આપણે ક્યાં પહોંચ્યા હોત ! આજે આપણો દેશ સ્વતંત્ર હોત. આપણા દેશનો શિક્ષિત વર્ગ આપણા દેશમાં પરદેશી જેવો ન બન્યો હોત. એ લોકો રાષ્ટ્રના હાર્દમાં પ્રવેશ પામ્યા હોત. ગરીબમાં ગરીબ વર્ગમાં જઈને એ લોકો કામ કરતા થયા હોત, તો પચાસ વર્ષની તેમની પ્રાપ્તિ રાષ્ટ્રની પ્રાપ્તિ થઈ હોત.”
ગાંધીજી નીડર અને સ્પષ્ટ વક્તા હતા. તેમની કથની અને કરણી એક જ હતાં એટલે જ આવા મોટા અને ભવ્ય કાર્યક્રમમાં બધાની ઉપસ્થિતિમાં માતૃભાષાની તરફેણ કરી શક્યા હતા.
શિક્ષણ માતૃભાષામાં જ શા માટે ?
આ પ્રશ્ન વર્ષોથી, આઝાદી પહેલાંથી ચર્ચાતો આવ્યો છે અને આજે આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ ચર્ચામાં છે.
ગાંધીજીના પ્રવચનમાંથી ફલિત થાય છે કે જો શિક્ષણ માતૃભાષામાં હોત તો –
– આઝાદી વહેલા પ્રાપ્ત થઈ હોત.
– લોકોમાં રાષ્ટ્રપ્રેમ વધુ મજબૂત બન્યો હોત.
– સમાજમાં સમરસતા પેદા થઈ હોત.
– શિક્ષિત વર્ગ માનસિક ગુલામીનો શિકાર ન બન્યો હોત.
– યુવાનોને શ્રમની સૂગ ન હોત.
ભાષા સંસ્કાર અને સંસ્કૃતિની વાહક છે. સ્વાભિમાન અને અસ્મિતા માટે માતૃભાષા ઉદ્દીપક છે. માતૃભાષા વડે જ લોકોનાં દિલ સુધી પહોંચી શકાશે એવી ગાંધીજીની દૃઢ માન્યતા હતી એટલે જ વિલાયત જઈ ત્યાં અંગ્રેજી ભાષામાં ભણી બૅરિસ્ટર બની આવ્યા પછી ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ’ જેવાં પ્રકાશનો માતૃભાષામાં કર્યાં. અંગ્રેજી ભાષા ખૂબ સારી આવડતી હોવા છતાં તેમણે તેમની આત્મકથા ‘સત્યનાપ્રયોગો’ માતૃભાષામાં જ લખી છે. ગાંધીજીની માતૃભાષા અંગેની વાત માત્ર વ્યક્તિગત નથી, સર્વ સમાજ માટે છે. માતૃભાષા માટે અવિચળ અને અક્ષુણ્ણ પ્રેમ જ પરિવારને સંસ્કારિત, નવપલ્લિત અને પોષિત કરી શકે એ નિ:શંક છે.
અંગ્રેજી પ્રત્યે ગાંધીજીનું વલણ સ્પષ્ટ હતું. એકવાર એક બેઠકમાં અવિનાશલિંગમ ગાંધીજીને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો કે, “નવી તાલીમ માટે પાવરધા શિક્ષકો નિપજાવવામાં વખત જશે તે દરમિયાન નિશાળોમાં અપાતી કેળવણીને સુધારવાને શું કરવું ?” ત્યારે ગાંધીજીએ તેમની ઠેકડી ઉડાવતાં કહ્યું હતું કે, “તમારાથી હિન્દુસ્તાનીમાં ન બોલાતું હોય, તો તમારે જે કહેવું હોય તે તમારી પાસે બેઠેલા ભાઈના કાનમાં કહો અને તે મારે માટે તમારા સવાલનું હિન્દુસ્તાની કરી દેશે !”
સામાન્ય વાતચીત કે વ્યવહારમાં અંગ્રેજીનો બિનજરૂરી ઉપયોગ ગાંધીજીને પસંદ નહોતો. તેમના પ્રવચનોમાં પણ ભાષાશુદ્ધિ જોઈ શકાય છે, અનુભવી શકાય છે. માતૃભાષામાં જ વિચારોની શુદ્ધતા અને સહજ અભિવ્યક્તિ શક્ય છે. માતૃભાષામાં અધ્યયન-પ્રક્રિયા વેગવંતી બને છે. વિદ્યાર્થી શીખેલું સરળતાથી યાદ રાખી શકે છે અને તેની સ્મૃતિશક્તિનો પણ સારો અને ઝડપી વિકાસ થાય છે. ગાંધીજીના મતે જે વસ્તુ વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં બે વર્ષમાં શીખી શકે તે પારકી ભાષામાં સાત વર્ષમાં શીખે છે. પરદેશી ભાષા ભણાવવી એટલે વિદ્યાર્થીઓ પર ભણવાનો અસહ્ય બોજો નાંખવો. અભ્યાસ દરમિયાન બાળકોનો મોટાભાગનો વખત અંગ્રેજી શબ્દોમાં જાય છે અને તે છતાં તેઓ જે શીખ્યા હોય એ પોતાની ભાષામાં અભિવ્યક્ત કરી શકતા નથી અને શિક્ષક જે કંઈ શીખવે છે તે તેઓ બરાબર સમજી શકતા નથી. ઊલટું તેઓ પોતાની ભાષા માત્ર ને માત્ર ઉપેક્ષાના લીધે જ ભૂલી જાય છે. માતૃભાષાના કંઈ કેટલાય શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો આજે વ્યવહારમાં ન રહેતાં માત્ર પુસ્તકના પાનાઓમાં રહી ગયાં છે અને કેટલાંક લુપ્ત પણ થઈ રહ્યાં છે.
ગાંધીજી પ્રાથમિક કેળવણી બીજી કોઈ ભાષા દ્વારા નહીં પણ સ્વભાષા દ્વારા જ અપાય તેવો સ્પષ્ટ મત ધરાવતા હતા. સ્વભાષામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરેલ બાળકનું મન સ્વતંત્ર થાય છે. એના મનમાં જ્ઞાન અને જીવનના પ્રશ્નો વિષે ઊંડો રસ પેદા થશે અને બાળકમાં સર્જનની શક્તિ અને દૃષ્ટિનો વિકાસ થશે એવું તેઓ માનતા હતા. આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે બાળક જે ભાષા માતાના ગર્ભમાં સાંભળીને, જે ભાષાના સંવેદનો ઝીલીને જન્મ્યું છે, તેના વિકાસ માટે સ્વભાષાથી વિશેષ કઈ ભાષા હોઈ શકે ? એટલે જ ગાંધીજી કહેતા કે કેળવણી જન્મભાષા દ્વારા જ આપવી જોઈએ. કોઈ પણ ભાષા શીખવાનો આધાર સ્મરણશક્તિ છે. સ્મરણશક્તિને કેળવીને જ નવી ભાષા શીખી શકાય છે. પ્રાથમિક શાળામાંથી જ વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરવામાં આવે તો વિદ્યાર્થી પર માનસિક બોજો વધે છે અને તે જે નવી ભાષા શીખે છે તે પોતાની માતૃભાષાને ભોગે શીખે છે એ આપણે ભૂલવું ન જોઈએ. ગાંધીજીનું કહેવું હતું કે બાળકના વિકાસનું ચણતર માતૃભાષાના સંગીન ખડક પર જ રચાવું જોઈએ. આવી દેખીતી અને ખુલ્લી વાત કેવળ હિંદુસ્તાન જેવા દુર્ભાગી દેશમાં સાબિત કરવી પડે છે. વળી આજે સમાજમાં એવી ખોટી માન્યતા દૃઢ થઈ છે કે ઉચ્ચ અભ્યાસ અંગ્રેજી વિના શક્ય જ નથી. વિશ્વના એવા ઘણા ય દેશો છે જેઓ ઉચ્ચ શિક્ષણ પોતાની ભાષામાં જ આપે છે. રાજ્યનો કારભાર પણ અંગ્રેજી ભાષા વિના ન ચાલી શકે એવી માનસિકતા આપણા સમાજમાં નિર્માણ થઈ છે. એનાથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે ? અંગ્રેજીનો અભ્યાસ ભાષા તરીકે થવો જોઈએ. હિન્દી જેમ રાષ્ટ્રભાષા છે તેમ અંગ્રેજીનો ઉપયોગ પરરાષ્ટ્રો સાથેના વ્યવહાર માટે અને વ્યાપાર માટે કરવો જોઈએ એમાં ગાંધીજીની ના નથી.
અંગ્રેજીને કારણે સમાજમાં બે ભાગ પડી ગયા છે : એક વર્ગ અંગ્રેજી રીતભાતવાળો, અંગ્રેજી બોલીને બીજા ઉપર પોતાનો પ્રભાવ જમાવનારો છે અને બીજો વર્ગ અંગ્રેજી ન બોલનારો, ન બોલી શકનારો છે. બીજા વર્ગના લોકો લઘુતાગ્રંથિથી પીડાતા થયા છે, એ સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે. ગાંધીજીએ કહ્યું છે કે, “શિક્ષણપદ્ધતિથી દેશની જરૂરિયાત કોઈ પણ રીતે સંતોષાતી નથી. શિક્ષણની બધી ઉપલી સર્વ શાખાઓમાં અંગ્રેજી દ્વારા શિક્ષણ અપાતું હોવાને લીધે ઊંચું શિક્ષણ પામેલા થોડાક લોકો અને નિરક્ષર બહુજનસમાજ એ બેની વચ્ચે કાયમનું અંતર પડી ગયેલું છે… અંગ્રેજીને અપાયેલા આ વધારેપડતા મહત્ત્વને લીધે શિક્ષિત વર્ગ ઉપર જે બોજો પડ્યો છે, તેને લીધે તેઓમાં જીવનભરનું માનસિક અપંગપણું આવી ગયું છે, અને તેઓ સ્વદેશમાં જ પરદેશી જેવા બની ગયા છે.”
ગાંધીજીએ કહેલી વાત સદા સ્મરણમાં રાખવાની જરૂર છે. તેમણે કહ્યું છે કે, “મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય તો ય માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ? એને સ્થાને અંગ્રેજી બોલીનો હું આશક છું; પણ જે સ્થાન તેનું નથી તે પડાવી લેવાને તે નીકળે, તો હું તેનો કટ્ટર વિરોધી થાઉં. સૌ કોઈ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે તેથી હું તેને નિશાળના નહીં, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું; અને તે પણ પસંદગીના થોડા લોકો માટે હોય; કરોડોને માટે તો ક્યાંથી હોય ? આજે આપણી પાસે ફરજિયાત પ્રાથમિક કેળવણી દાખલ કરવાનાં પણ સાધન નથી ત્યાં અંગ્રેજીના શિક્ષણ માટેની જોગવાઈનાં સાધનો ક્યાંથી લાવવાં ? રશિયાએ વિમાનમાં પોતાની બધી પ્રગતિ અંગ્રેજી વગર જ કરી છે. આપણી મનોવૃત્તિ એવી ગુલામ બની ગઈ છે કે, અંગ્રેજી વગર આપણું ચાલે જ નહીં, એવું આપણને લાગ્યા કરે છે. કામ શરૂ કર્યા પહેલાં આગળથી હારી બેસવાની આવી માન્યતાને હું કદી નહીં સ્વીકારું.”
ભાષા બોલાય તો જ તે જીવે. ભાષક વિના ભાષા શક્ય નથી. ભાષકની બદલાતી માનસિકતા ભાષાના અસ્તિત્વ માટે જોખમ ઊભું કરે છે, એ આપણે સમજવું જ જોઈએ.
આવો, આપણે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીએ માતૃભાષાના વ્યવહારુ આગ્રહ દ્વારા હૃદયાંજલિ આપીએ.
और पढ़ें : अंतरराष्ट्रीय मातृभाषा दिवस